રાશિ ભવિષ્ય
ગુરુવાર, ૮ મે, ૨૦૨૫

મેષ (અ,લ,ઈ) : હાલ તમે જે સંશોધન કાર્ય કરી રહ્યા છો એ ધારણા કરતા વધુ સારી રીતે આગળ વધશે, પરંતુ તમારે કાર્યક્ષેત્રમાં અને પરિવારમાં વધુ સાવધ રહેવાની જરૂર છે, કારણકે તમારા દુશ્મનો કે સ્પર્ધકો તમારુ નીચાજોણું કરાવવાનો પ્રયાસ કરશે એમ દેખાય છે. એક બાજુ આર્થિક બાબતોની ચિંતા અને બીજી બાજુ પારિવારિક વિષયોની ચિંતા, આ બંન્ને પ્રકારના દબાણ ઝેલીને તમે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છો એ સ્પષ્ટ છે. સાથોસાથ તમારો મોટા ભાગનો સમય તબિયતની કાળજી રાખવામાં પણ વીતશે એ નક્કી છે. સ્વાસ્થ્યની વાત નીકળી છે તો જણાવી દઊં કે હાલ તમારો સમય નબળો હોવાથી આ બાબતે વધુ સાવધ રહેવાની જરૂર છે.
સ્ત્રીવર્ગ માટે : તમે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છો. હાલ કોઈ તમારા બહુ વખાણ કરે તો ફુલાઈ ન જતા, સમજ્યાને ?

વૃષભ (બ,વ,ઉ) : તમારી આશા-આકાંક્ષા નવી ઊંચાઈએ પહોંચી છે. એને લીધે તમે ગણતરીઓ કરવા લાગશો અને કોઈપણ નિર્ણય લેતા પહેલા ફાયદા-ગેરફાયદાનો વિચાર કરશો એમ દેખાય છે. ઊંચી મહત્વકાંક્ષાઓ સેવવાનું સારું કહેવાય, પણ એની પાછળ એને હાંસલ કરવા માટેની મહેનત પણ હોવી જોઈએ એનો વિચાર અવશ્ય કરજો. તમે હાલ કાળજીપૂર્વક આયોજનો કરશો અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી એનો અમલ પણ કરવા આતુર બનાશો એ સ્પષ્ટ છે. મારું જો માનતા હો તો કોઈપણ બાબતમાં નિષ્કર્ષ સુધી પહોંચવામાં જરા પણ ઊતાવળ ન કરો. ભલે થોડું મોડું થાય પણ સાવધાનીપૂર્વક આગળ વધવામાં જ સમજદારી છે, સમજ્યાને? તમે આરોગ્ય તરફ બેધ્યાન રહો એ બિલકુલ નહી ચાલે. જાગૃત રહો અને આગળ વધો એવી સલાહ છે.
સ્ત્રીવર્ગ માટે : સંતાનના સ્વાસ્થ્ય અને ભણતર, બંન્ને બાબતે ચિંતિત રહેશો.

મિથુન (ક,છ,ઘ) : તમારી રોજિંદી નીરસ પ્રવૃત્તિનો હાલ તમને કંટાળો આવી રહ્યો છે એમ સ્પષ્ટ દેખાય છે. આ પરિસ્થિતિમાં કોઈપણ વાતનું વતેસર કરવાથી દૂર રહેજો. વાસ્તવમાં તમે મુશ્કેલીઓને ઘોળીને પી જવાની ખૂબી ધરાવો છો. તમે સમસ્યાઓથી દૂર ભાગી જનારાઓમાં નહીં, પણ એનો હિંમતપૂર્વક સામનો કરનારાઓમાં છો. આ નબળા અને વિચિત્ર સમયમાં કોઈપણ પ્રકારના ખોટા વિચારોથી દૂર રહેજો અને તમારા મનોબળને વધારી સ્થિર થવાનો પ્રયાસ કરજો એવી મારી સલાહ છે. કેવળ અને કેવળ પોઝિટિવ વિચારો જ તમને ચમત્કારિક રીતે આગળ વધવામાં મદદ કરશે એ નક્કી છે, સમજ્યાને?
સ્ત્રીવર્ગ માટે : તમે કોઈ સારા ઊદ્દેશથી કોઈ મહત્વપૂર્ણ માહિતી ગોપનીય રાખી હતી એ અચાનક બહાર આવી જતાં તમારી આસપાસના લોકો ગુસ્સે થશે અને ખોટા પ્રશ્ર્નો ઊભા કરશે એમ જણાય છે.

કર્ક (ડ,હ) : સમય એવો છે કે તમારી સામે દરેક બાબતોમાં પડકારો આવશે, પરંતુ તમે એનો બહાદુરીથી સામનો કરવા કટિબધ્ધ છો એમ જણાય છે. સ્વભાવે તમે પહેલા કરતા વધુ ધીરગંભીર બની ગયા છો અને તમારા વર્તનમાં આ વાત વધુ સ્પષ્ટ રીતે પ્રગટ પણ થઈ રહી છે. એક બાજુ તમારા મનમાં આર્થિક વિષયોના વિચારો ઘૂમ્યા કરશે અને બીજી તરફ તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો એ સ્પષ્ટ છે. કેટલાક અધ્ધર લટકતા પ્રશ્ર્નોનો નિવેડો લાવવા તમે પ્રયત્નશીલ છો, પરંતુ એમાં તમે ઝીણી-ઝીણી વિગતોનું ધ્યાન રાખવાનું ચૂકી જાઓ એવું પણ બની શકે. નોકરી કરનાર વર્ગના ઊપરીઓ એમની નિષ્ઠાની કદર કરશે એવા યોગ છે.
સ્ત્રીવર્ગ માટે : તમે ટૂંક સમયમાં નવા ઘરમાં રહેવા જઈ શકો છો. આથી ગૃહ પ્રવેશની તૈયારીઓમાં લાગી જવું એવી સલાહ છે.

સિંહ (મ,ટ) : તમારી સંવેદનાઓ હાલ તમને અતિશય સક્રિય રાખશે અને બીજાઓ સાથેના વ્યવહારમાં તમે વધુ પડતા સંવેદનશીલ બની જશો એમ દેખાય છે. આમ થવાનું મુખ્ય કારણ તમારો ઊદાર અને સાહસી સ્વભાવ પણ છે. તમે ફરી એકવાર બેફિકર બની જવા અને ઘણા લાંબા સમયથી જે પ્રવૃત્તિઓ કરી નથી એ કરવા ઈચ્છી રહ્યા છો. મારું જો માનતા હો તો વધુ પડતા ભાવુક કે સાહસી બનવાનું હિતાવહ નથી. અત્યારે કોઈપણ પગલું સમજી-વિચારીને ભરજો. એક પણ ઊતાવળિયો નિર્ણય તમારી લાંબા સમયથી કરેલી મહેનત પર પાણી ફેરવી શકે છે, સમજ્યાને? તબિયતની કાળજી લેવા સતર્ક રહેવું અને પોતાની દુનિયામાં ખોવાઈ જવાય નહી એ વાતનું વિશેષ ધ્યાન રાખવું.
સ્ત્રીવર્ગ માટે : લોકોના ગળે કોઈ વાત શીરાની જેમ ઊતારી દેવામાં તમે પાવરધા છો, પરંતુ તમારે હાલ એ બાબત ફરી એકવાર પુરવાર કરવાની જરૂર પડશે.

ક્ધયા (પ,ઠ,ણ) : હાલના ગ્રહમાન તમારી સામે કાવતરું રચીને આવ્યા હોય એમ તમારું મન સતત મનોરંજનની પ્રવૃત્તિઓ તરફ વળ્યા કરશે, પરિણામે રોજિંદા કાર્યો તરફ દુર્લક્ષ થઈ જશે એમ દેખાય છે. આ સમયે તમે સિરિયલો કે ફિલ્મો જોવામાં, સંગીત સાંભળવામાં અથવા તો બેસ્ટ સેલર પુસ્તક વાંચવામાં મગ્ન રહેવાનું પસંદ કરશો. તમારામાંના અમુક લોકો આળસુ બનીને ઊંઘવાનું અને આરામ કરવાનું પણ પસંદ કરી શકે છે. ભાવિ આયોજનોનો અમલ કરવામાં અવરોધ કે મર્યાદાઓ આવી શકે છે, પરંતુ મારું જો માનતા હો તો તમારે વર્તમાનને સુધારીને ઊજવળ ભવિષ્ય માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ, સમજ્યાને? કુંવારા જાતકો માટે ખૂબ સારા માંગાઓ આવી શકે છે.
સ્ત્રીવર્ગ માટે : તમે જીવનસાથીની વાતો કાને ઘરશો અને એને લીધે તેમને પણ મહત્વ મળ્યા જેવું લાગશે.

તુલા (ર,ત) : તમારો સંવેદનશીલ અને ભાવુક સ્વભાવ હાલ તમારા માટે સમસ્યા ખડી કરે એવું જણાય છે. તમને કોઈ સંબંધ તોડી નાખવાનું મન પણ થશે, પરંતુ તમારે એમ કરવું નહીં. વાસ્તવમાં તમારે પોતાની લાગણીઓને પિછાણીને એમનું મહત્વ સમજી લેવાની આવશ્યકતા છે. કોઈપણ ઊતાવળિયુ પગલુ ભરવાને બદલે લાગણીઓના ઊત્પાતને કાબૂમાં રાખીને સાવચેતીપૂર્વક રહેવામાંજ સમજદારી છે. નાની-નાની બાબતો અને ક્ષુલ્લક પ્રશ્ર્નોની ચિંતા કરવી એ ભલે તમારો સ્વભાવ હોય તો પણ અત્યારે ટેન્શન ટાળવું અને માનસિક શાંતિ મેળવવા યોગ કે મેડિટેશન કરવાની ખાસ સલાહ છે.
સ્ત્રીવર્ગ માટે : તમે મિત્રો અને સંબંધીઓના વર્તનથી કદાચ વધારે સંતુષ્ટ નહીં હો એમ દેખાય છે. તમારું નુકસાન કરવાનો પ્રયાસ કરનારા છૂપા દુશ્મનોથી સાવધ રહેવાની જરૂર છે, સમજ્યાને?
વૃશ્ર્ચિક (ન,ય) : તમે મનની વિવિધ ઈચ્છાઓ પૂરી કરવાના મૂડમાં છો અને હાલ તમે દિવા સ્વપ્નોમાં રાચો એવી પણ શક્યતા છે. પરિવાર અને સંતાનો જોડે વધુ સમય ગાળવાની તમારી પ્રબળ ઈચ્છા પૂરી થઈ રહી છે. સાથોસાથ તમે પ્રિયજનને ખુશ કરવા માટેના પ્રયાસ કરશો અને તેમને રીઝવવા માટે કોઈક નવો નુસખો અજમાવશો એમ દેખાય છે. તમે આસપાસના લોકોની સાથે સ્નેહ રાખો છો અને અત્યારના સમયમાં એ લાગણી રોજ કરતાં વધારે પ્રમાણમાં દેખાશે એ નક્કી છે. તમારામાંના અમૂક લોકો શહેરની નજીકના કોઈ સ્થળે અચાનક પ્રવાસે ઊપડી જઈને ચિંતામુક્ત થઈ જવાનો પ્રયાસ કરે એવું પણ શક્ય છે.
સ્ત્રીવર્ગ માટે : જો ઊપરવાળો તમારી કસોટી કરતો હોય તો તમને ખુશીની ભેટ પણ આપશે એ નિશ્ર્ચિત છે. ધાર્યાં પરિણામો મેળવવા યોગ્ય સમયની રાહ જુઓ અને તબિયતનું વિશેષ ધ્યાન રાખો, સમજ્યાને?

ધન (ભ,ધ,ફ,ઢ) : નાણાકીય બાબતો અને સ્વાસ્થ્યની ચિંતા તમને મૂંઝવણમાં મૂકી દેશે, પરંતુ જીવનમાં આવનારા કોઈપણ પડકારનો સામનો કરવા તમે સજ્જ છો અને આ આત્મવિશ્ર્વાસને લીધે તમે દરેક મુશ્કેલીને પહોંચી વળશો એ સ્પષ્ટ છે. તમે અત્યાર સુધી જેટલું ડાયટિંગ કર્યું છે કે ખાવા-પીવામાં ધ્યાન આપ્યું છે એના સ્પષ્ટ પરિણામો હવે તમને મળવા લાગશે એમ દેખાય છે. વિકાસના પથ પર તમને થોડા અવરોધો નડી શકે છે, પરંતુ આગળ જતાં તમને ધાર્યું પરિણામ લાવતા કોઈ રોકી નહી શકે એ નક્કી છે. પ્રેમ સંબંધમાં બંધાયેલી વ્યક્તિઓ પોતાના પ્રિયજનના વિચિત્ર અને અણધાર્યા વર્તનથી પરેશાન થઈ જશે. આવા સંજોગોમાં તમારે પ્રતિક્રિયા આપતી વખતે સાવચેતી રાખવી, સમજ્યાને?
સ્ત્રીવર્ગ માટે : તબિયત નરમ-ગરમ રહેશે, પરંતુ આગળ જતાં હજી સુધારાની સંભાવના છે.

મકર (ખ,જ) : હંમેશા માણસ પોતે બોલે એના કરતા તેનું કામ વધારે બોલતું હોય છે. તમારે કામ પ્રત્યે પધ્ધતિસરનો અભિગમ અપનાવવાની જરૂર છે. કારણકે એ જ રીતે તમે વિવિધ ખલેલ પડતી હોવા છતાં લક્ષ કેન્દ્રિત કરી શકશો એવા યોગ છે. તમારા ખંતપૂર્વકના પ્રયાસો અને પ્રામાણિક્તાથી આસપાસના બીજા લોકો પણ પ્રભાવિત થશે એમ સ્પષ્ટ દેખાય છે. તમારું બૂરું કરનારને પણ હાલ તમે ક્ષમા આપશો અને વાતનું વતેસર કરવાનું તથા દુશ્મની વધારવાનું ટાળશો એમ ગ્રહયોગો સૂચવે છે. નોકરિયાતોએ થોડા પડકારોનો ભલે સામનો કરવો પડે પણ આગળ જતાં તેમનું પ્રભુત્વ અને જોર વધશે એ નક્કી છે. પ્રેમી પંખીડાઓ અને યુવાન મિત્રોને લગ્નની તારીખ નક્કી કરવા માટેની લીલી ઝંડી મળી જશે.
સ્ત્રીવર્ગ માટે : સમજદારીપૂર્વક ખર્ચ કરવાનો તમારો સ્વભાવ ઘણો જ સારો છે. એને કારણે તમે ભવિષ્ય માટે સારી એવી બચત કરી શકશો.

કુંભ (ગ,સ,શ,ષ) : હાલ તમે એકદમ ચિંતનાત્મક મૂડમાં આવી જશો અને તમને દરેક વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ દેખાશે એવા યોગ છે. તમારી છઠ્ઠી ઈન્દ્રિય ઘણી સતેજ રહેશે અને તમે જે કહેશો એ સાચુ પડે એવી સંભાવના છે. વાસ્તવમાં તમે રાબેતા મુજબના જીવનમાં થોડું પરિવર્તન લાવવા ઈચ્છી રહ્યા છો. તમને રગશિયા ગાડા જેવા જીવનથી કંટાળો આવી ગયો હોવાથી તમે એમાં ઝડપથી પરિવર્તન લાવવા માગો છો એમ સ્પષ્ટ દેખાય છે. તમે ટૂંક સમયમાં પ્રવાસે જાઓ એવો યોગ રચાઈ રહ્યો છે. આ પ્રવાસ કોઈ બિઝનેસ માટેનો નહીં પણ રોજિંદા જીવનની ઘટમાળમાંથી બહાર નીકળવા માટેનો હશે એ નક્કી છે.
સ્ત્રીવર્ગ માટે : કોઈ પરિસ્થિતિમાંથી ઊગરી જવા માટેના તમારા પ્રયાસો વ્યર્થ પુરવાર થાય ત્યારે નિયતિને પોતાનું કામ કરવા દેવું અને ઊપરવાળા પર શ્રધ્ધા રાખવી, સમજ્યાને?

મીન (દ,ચ,ઝ,થ) : તમારામાં છુપાયેલો આગેવાન બહાર આવશે અને તમે તમારા હાથ નીચેના માણસોને તથા અન્ય લોકોને માર્ગદર્શન આપશો એવા યોગ છે. હાલ તમારી સ્વયંસ્ફુરણા સતેજ રહેશે અને તમારી આસપાસના લોકોનો તમારા માટેનો આદર વધશે તથા તમારી કદર થશે એ નક્કી છે. તમારામાંના અમૂક લોકો જોખમભર્યા સટ્ટાબજારમાં પોતાનું નસીબ અજમાવવામાં વ્યસ્ત રહેશે, પરંતુ તેમને એમાં ખોટ જવાનું જોખમ છે. એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ છે. તમે જૂના મિત્રોની સાથે સંપર્કમાં આવશો તથા તમારા ટેલિફોન પર ઈન્ટરવ્યુ ચાલતા હશે અને તમે ઓનલાઈન મીટિંગોનું આયોજન પણ કરશો એમ દેખાય છે.
સ્ત્રીવર્ગ માટે : તમારા રોજિંદા જીવનમાં કંટાળો ઘર કરી ગયો હોવાથી તમારા કામાં કોઈક નવું તત્વ ઉમેરવાનો પ્રયાસ કરો. નિયમિત યોગા અને કસરત કરો તો સારું.